Monday 13 February 2017

હૈદ્રાબાદની સફર(૧)

સધિયારો: આ પ્રવાસવર્ણન નથી.
                            આજ સુધીમાં અનેક પ્રવાસવર્ણનો વાંચી ચુકેલાઓ સુપેરે જાણે છે કે તેમાંનાં ઘણાંમાં લેખકને પ્રવાસ માટેનો વિચાર પહેલી વાર આવ્યો ત્યારથી લઈ ને એના આયોજન માટે કરેલું હોમવર્ક, એમાં વિવિધ તબક્કે પત્નિ, સંતાનો, જમાઈ, પુત્રવધુ, વેવાઈવેલો, ફુઆજી સસરા, સહકર્મીઓ ઉપરાંત અનેક શુભેચ્છકો દ્વારા કરાયેલાં સુચનો, ટિકીટ લેવાથી લઈ ને બેગ પેક કરવા સુધીની તૈયારીઓ, પ્રયાણના આગલા દિવસ સુધી વ્યાપેલી અનિશ્ચીતતા અને આખરે પત્નીએ સાથે બંધાવેલ ઢેબરાં, સુકી ભાજી અને સુખડી સહ સુખરૂપ પ્રયાણ સુધીનું વર્ણન વાંચતે વાંચતે વાચક પોતે જ આ બધામાંથી પસાર થયો હોય એવો અધમુઓ થઈ જાય છે. હજી જો વાંચવાનું ચાલુ રાખ્યું હોય, તો લેખક જ્યારે મંઝીલે પહોંચી જાય છે ત્યારે પાછો એક નવો દોર શરૂ થાય છે જ્યાં એને આવકારવા સ્ટેશને/એરપોર્ટે આવેલા યજમાનનાં વસ્ત્ર પરિધાનથી લઈ, એમના પર્ફ્યુમ અને એમની કુશાંદે મોટરનાં વખાણ આવે અને પછી એમનાં કુટુંબીજનોથી લઈ એમનાં પાળીતાં ટોમી, મોતી અને મિનીબાઈને પણ આપણે જાણવાં પડે છે. જોવા લાયક સ્થળો વિશે અને નવી જગ્યાએ ગયાના અનુભવ બાબતે થોડાં થોડાં  છાંટણાં અલબત્ત, વાંચવા મળે છે.

                            મારી આ પોસ્ટમાં આવું કશું જ નહીં હોય એની ખાત્રી આપું છું, કારણકે ઉપર જણાવ્યાં એવાં પ્રવાસવર્ણનો ઠેઠો ઠેઠ વાંચ્યા પછી એટલું જ્ઞાન ચોક્કસ લાધ્યું છે કે કોઈને ય એ બધામાં રસ નથી હોતો. માટે મને હૈદ્રાબાદ રહેતા મારા ભાઈ/મિત્ર/સ્વજન એવા અભીજીત અને એની પત્ની ધારાએ કેવા આગ્રહપૂર્વક બોલાવ્યો, એ બાબતે મેં સ્નેહા, મા, દિકરી પ્રીત, જમાઈ રવિ અને દિકરા પાર્થ સાથે શું શું ચર્ચા કરી, આખરે પાર્થે કેવી રીતે મને એકદમ સસ્તા ભાડાની વિમાનની ઈ-ટિકીટ બૂક કરાવી આપી, મેં પાંચ દિવસ રોકાવા માટે કયાં કપડાં અને એની કેટલી જોડી લઈ જવી એની સ્નેહા સાથે શું શું મસલતો કરી, આખરે (હંમેશ મુજબ) સ્નેહાએ જ મેડા ઉપરથી એક મધ્યમ સાઈઝની બેગ ઉતારી આપી એમાં મારે લઈ જવાનો સામાન-સરંજામ ભરી આપ્યો, એ સમયે ‘હું ન હોત તો શું થાત, આ ઘરનું’ એવા ઉદગાર વડે મને એ વિષયે વિચારવા માટે ૧૪,૭૪૯ મી (કે એથી વધુ પણ હોય!) વાર પ્રેરણા આપી એ બાબતે, અભીજીતના દિકરા વ્યોમેશને ભાવતો મોહનથાળ લઈ આવી, જ્યારે દિકરી પલક બેંગલોર ખાતે એમ.ડી.એસ. કરી રહેલી હોઈ, એને માટે એને માટે જે મોકલે એ વ્યંજનને વ્યોમેશ જ ન્યાય આપી દે અને જ્યારે મળે ત્યારે ભાઈ બહેન વચ્ચે થનારી મારા મારીનું નિમીત્ત હું બનું એમ વિચારી એ મુલતવી રાખ્યું, આગલે દિવસે મેં મારા માટે મુસાફરી દરમિયાન સમય પસાર કરવા ભાતું શું લઈ જવું એ બાબતે મેં ચર્ચા છેડતાં ‘બે કલ્લાકની જ મુસાફરીમાં તે વળી ભાતાં શેનાં?’ જેવાં કાને પડેલાં સુમધુર વાક્યો, નીકળતી વેળાએ જાતે જ સ્માર્ટફોનના ઉપયોગથી બોલાવેલી ટેકસી, માએ “સાચવી ને જજે અને અજાણ્યા કોઈની હારે બહુ હળી મળીને વાતો નો કરતો અને પરશાદી કહીને ય દે તો ય કાંઈ ખાવાની ચીજ નો લેતો ને પહોંચી ને તરત ફોન કરી દેજે”ની ૬૩ વરસના મને આપેલી સુચના, વગેરે ઘટનાઓ બાબતે મેં કશો જ  ઉલ્લેખ નથી કર્યો (?), તેની નોંધ અહીં સુધી પહોંચેલા સૌએ લીધી જ હશે.

                           હવે આગળ વધતાં પહેલાં અભીજીત (૫૭) અને કુટુંબીજનોનો ટૂંકમાં પરિચય આપી દઉં. અભીજીત (મહેતા) બહુ ઉંચી કક્ષાનો બાયોટેકનોલોજિસ્ટ છે અને અમદાવાદ તેમ જ હૈદ્રાબાદની ખ્યાતનામ કંપનીઓમાં સારા હોદ્દાઓ ઉપર કામ કરી હવે એ ક્ષેત્રના સલાહકાર તરીકે પોતાની ઇચ્છા મુજબ કામ કરે છે. એની પત્નિ ધારા (૫૬) ગુજરાત સરકારનાં વિવિધ ખાતાંઓમાં સેવા આપી, એ લોકોએ સને ૨૦૦૨માં હૈદ્રાબાદ સ્થાયી થવાનું નક્કી કર્યું તેથી વહેલી નિવૃત્તી લઈ લીધા પછી આનંદથી સમય વ્યતિત કરે છે. એમનો દીકરો વ્યોમેશ (૨૯) હૈદ્રાબાદ અને  ઈઝરાઈલ ખાતે એરોનોટિક્સની ઉત્કૃષ્ટ શૈક્ષણિક પદવીઓ હાંસલ કર્યા પછી આપણા સંરક્ષણ ખાતાના ઉપક્રમ DRDO (Defence Research and Development Organization)  માટે, હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ, બેંગલોર માટે તેમ જ કેટલીક ખાનગી કંપનીઓ માટે કામ કરે છે અને દીકરી પલક (૨૫) બેંગલોર ખાતે દંતચિકીત્સા માટેની  M.D.S. ડીગ્રી મેળવવા અભ્યાસ કરી રહી છે. કુટુંબનાં ચારે ય સભ્યો ખુબ જ આનંદી અને પ્રેમાળ છે.
વ્યોમેશ, અભીજીત, ધારા, પલક
                                                                       હૈદ્રાબાદ ઉતર્યો ત્યારે મને લેવા માટે અભીજીત અને વ્યોમેશ બન્ને આવ્યા હતા. અભીજીત લાગણીથી અને વ્યોમેશ લાગણી તેમ જ ફરજના ભાન(અને ભાર)થી આવ્યો હતો. બન્યું એવું કે એ લોકો નિયમીત રીતે વ્યંકટેશ નામના ડ્રાઈવરને બોલાવે છે, જે એ લોકોનો વર્ષોથી પરિચીત હોવા ઉપરાંત હિંદી સમજી-બોલી શકે છે. પણ એણે પોતે ન આવતાં એક એવા માણસને મોકલ્યો, જે હૈદ્રાબાદની ભૂગોળથી બહુ પરિચીત ન હતો. ઉપરાંત તેલુગુ સિવાયની અન્ય ભાષા જાણતો ન હતો. જે લોકો હૈદ્રાબાદના નવા એરપોર્ટથી પરિચીત છે તેઓ જાણે છે કે ખુબ જ વિશાળ પથારામાં ફેલાયેલા આ એરપોર્ટમાં ત્રીસ્તરીય પાર્કીંગ છે. ઉતારુ બહાર આવે પછી એને માટેના વાહનને ચોક્કસ જગ્યા સુધી લઈ આવવા માટે ડ્રાઈવરને યોગ્ય સુચના આપવી જરૂરી બની રહે છે. એટલે ડ્રાઈવર નામે સુંદરરમણને પાર્કીંગમાંથી ઉપર બોલાવવા માટે અને પછી યોગ્ય રસ્તો બતાડવા માટે તેલુગુ બોલી જાણતો વ્યોમેશ અનિવાર્ય હતો. અમે મળ્યા એટલે વ્યોમેશે એને ફોન કરી, ક્યાં આવવાનું છે એ બાબતે શક્ય એટલું સમજાવવાની કોશીશ કરી અને આખરે ભારે મથામણ પછી દસેક મિનીટે એ આવ્યો અને અમને ઘર તરફ લઈ ચાલ્યો. રસ્તામાં પણ એને થોડી થોડી વારે વ્યોમેશે સુચનાઓ આપવી પડતી હતી. એ દરમિયાન અભીજીતે આ માણસ માટે અને ખાસ કરીને એના માલિક વ્યંકટેશ માટે જે પ્રશંસાનાં ફુલો વેર્યાં એ જોતાં અભીજીત તેલુગુ ન્હોતો બોલી શકતો અને  સુંદરરમણ ગુજરાતી ન્હોતો સમજતો એ સૌને માટે ફાયદાની વાત હતી. અન્યથા કાં તો સુંદરરમણ અધવચ્ચે ઉતરી અને ભાગી જાત અને કાં તો અમને ઉતારી, કાર હંકારી મુકત! 
                         
                                                                પહોંચ્યાની રાતે અમે લોકોએ મારા રોકાણ દરમિયાન ક્યાં ફરવા જવું એની વિચારણા કરી. અગાઉ ક્યારેય  હૈદ્રાબાદ જવાનો અવસર મળ્યો ન હતો એટલે મને અને યજમાનોને આ અવસર માટે ઉત્સાહ હતો. મારું રોકાણ ટૂંક સમય માટે હતું (યજમાન કુટુંબના ઉત્સાહનું એ પણ એક કારણ હતું) એટલે એ દરમિયાન કોઈ એક જ એવી જગ્યા જોવી, જ્યાં ભીડ ભાડ બહુ ન હોય એ બાબતે અમે સૌ સંમત હતાં. ધાર્મીક સ્થળ માટે મારી સહેજે ઇચ્છા ન હતી. મારા આમ કહેવાથી ધારાએ મારી કરતાં નાની ઉમરનાં લોકો પણ ભવનું ભાતું બાંધવાનું શરૂ કરી દેતાં હોય છે એ બાબતે એકાદ બે ઉદાહરણો સહિત મને પ્રેરણા આપવાની (વ્યર્થ) કોશીષ કરી જોઈ. વ્યોમેશે રૂબરૂ અને પલકે ટેલીફોનથી મને ત્યાંના સલારજંગ મ્યુઝીયમની મુલાકાત લેવા માટે આગ્રહ કર્યો, પણ મેં એક જ દિવસમાં કરી શકાય એવું એ કામ ન હતું એમ કહી એ વિકલ્પ નકાર્યો. બીજાં સૌ કરતાં અભીજીત મને વધારે જાણતો હોઈ એ ચર્ચાના સમગ્ર દોર દરમિયાન નિર્લેપભાવે સાંભળતો રહ્યો.  
                        

                           છેવટે સર્વાનુમતી ગોલકોંડા કિલ્લા માટે સધાઈ. અમે લોકોએ એવું નક્કી કર્યું કે એક દિવસ હૈદ્રાબાદ શહેરમાં લાંબા સમય સુધી ફરી, અલગ અલગ સ્થળો જોવાં અને એક દિવસ ગોલકોંડા કિલ્લાની મુલાકાત લેવી. અભીજીતે વ્યંકટેશને ફોન કરી, બે દિવસની વરદી આપતાંની સાથે ચિમકી પણ આપી કે એણે અન્ય કોઈ બદલી ડ્રાઈવરને ન મોકલતાં જાતે જ આવવું. અને બિલકુલ સમયસર આવી જવું. પણ, જે દિવસે અમે હૈદ્રાબાદ શહેરમાં ફરવાનું નક્કી કર્યું હતું એ દિવસે ય વ્યંકટશે બીજા ડ્રાઈવરને મોકલ્યો અને એ માણસ આપેલા સમય કરતાં પંદરેક મિનીટ મોડો આવ્યો. એટલું ઓછું હોય એમ એ પણ તેલુગુ સિવાયની કોઈ જ ભાષા જાણતો ન હતો!
                               
                           ખેર, અભીજીતે કોઈ જ પ્રતિભાવ વગર આ ચલાવી લીધું એ અમને લોકોને આનંદાશ્ચર્યમાં ડૂબાડી ગયું. પણ હકીકતે એ શક્તિસંચય કરી રહ્યો હતો. એ વિશે પછીથી વાત. અત્યારે મારા હૈદ્રાબાદ ભ્રમણ બાબતે વાત કરું. આમ તો કોઈ પણ જગ્યાની બધી જ માહિતી તસવીરો સહિત નેટ ઉપર ઉપલબ્ધ હોવાથી એનું વર્ણન કરવાનો કે વાંચવાનો રોમાંચ નથી રહ્યો. તેમ છતાં મેં ટૂંકી અવધિમાં જે અને જેટલું જોયું એ વહેંચી રહ્યો છું.

૧) એરપોર્ટ : મેં જોયેલાં એરપોર્ટ્સમાં અહીંનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ મને સૌથી સારું લાગ્યું. આટલું લખતાં હું અચાનક વિશ્વપ્રવાસી અને એ પણ Frequent Flyer  હોઉં એવી મનોદશામાં આવી ગયો પણ કહીકતે માંડ દસેક વારની હવાઈ મુસાફરીઓ (અને એ પણ દેશમાં જ) દરમિયાન સાત જ એરપોર્ટ્સ જોયાં છે. જો કે એ બધાંમાં વિશાળતા અને ભવ્યતામાં આ એરપોર્ટ ચોક્કસ આગળ છે. શહેરથી લગભગ ૨૦ કિમી.દૂર આવેલા શમ્સાબાદ ગામના ખુબ જ લીલોતરીસભર પરિસરમાં ફેલાયેલા આ એરપોર્ટની એક વિશિષ્ટ આભા બની રહે છે. આ ખુબ જ આધુનિક બાંધકામ જેટલું દેખાવમાં ભવ્ય છે એટલું જ સગવડભરેલું છે અને પહેલી જ વાર અંદર દાખલ થતો સાવ અજાણ્યો મુસાફર પણ મુંઝાયા વિના પોતાના વિમાન સુધી પહોંચી શકે એ રીતે વિકસાવાયેલું છે.  
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
                                
૨) પી.વી. નરસીમ્હારાવ ઓવરબ્રીજ : એરપોર્ટ્થી હૈદ્રાબાદ શહેર તરફ આવતાં ૧૧.૬ કિમી. લંબાઈનો આ ઓવરબ્રીજ ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાયઓવર પ્રકારનો રસ્તો છે. શહેરના મહેંદીપટનમ વિસ્તાર સુધી લઈ આવતો આ બ્રીજ ઑક્ટોબર ૨૦૦૯માં ખુલ્લો મુકાયો.
ઓવરબ્રીજ 

૩) હુસેનસાગર તળાવ : હૈદ્રાબાદ શહેરના ભવ્ય ભૂતકાળને આજ દિન સુધી સજીવ રાખતું આ એક ઐતિહાસિક તળાવ છે. સને ૧૫૬૩માં ઈબ્રાહીમ કુતુબ શાહે બંધાવેલા આ તળાવની વિશિષ્ટતા એ છે કે એ હ્રદયના આકારમાં બનાવવામાં આવેલું છે. લગભગ ૫.૭ વર્ગ કિમી. વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ વિશ્વમાં સૌથી વિશાળ એવા માનવ સર્જિત હ્રદયાકાર તરીકે જાણીતું છે. અને એને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)  દ્વારા સને ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં ‘Heart of the World’ તરીકે સતાવાર રીતે ઓળખાવવામાં આવ્યું છે. બરાબર મધ્યમાં સ્થાપીત એવી એક જ પથ્થરમાંથી ઘડી કાઢવામાં આવેલી ગૌતમ બુધ્ધની મૂર્તી આ તળાવની સુંદરતામાં વધારો કરે છે.
હુસેનસાગર તળાવ, મધ્યમાં બુધ્ધપ્રતિમા

૪)  ફિશરીઝ બીલ્ડીંગ : નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના હૈદ્રાબાદ એકમનું આ મકાન માછલીના આકારમાં બનાવાયું હોઈ, શહેરનાં આકર્ષણોમાંનું એક બની રહ્યું છે.


૫) અલંક્રીતા : શમીરપેટ મંડળના કરીમનગર રોડ ઉપર આવેલો આ હૈદ્રાબાદનો ખુબ જ જાણીતો રીસોર્ટ છે. અંગત માલિકીની આ જગ્યા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે અને ખુબ જ સુરુચીપૂર્ણ ઢબે સજાવેલી આરામદેહ સગવડો ધરાવે છે. અહીં ભોજન વેળાએ વક્રદ્રષ્ટા એવા મારી નજર લીચીનાં ફળોમાંથી બનાવેલી Mousse  નામની એક વાનગીની બાજુમાં લગાવેલ લેબલ ઉપર પડી અને મેં એનો ફોટો પાડી લીધો. જ્યાં શહેરનાં ઉન્નતભ્રુ વર્ગનાં લોકોની અવરજવર રહેતી હોય તેવી જગ્યાએ આવી બેદરકારી જેટલી મને ખટકી એટલી ત્યાંના જવાબદારોને નહીં ખટકી હોય કારણ કે મેં ધ્યાન દોર્યા પછી પણ અમે નીકળ્યાં ત્યાં સુધી એ બદલવાની તસ્દી કોઈએ લીધી જણાઈ નહીં.


લીચી 'માઉસ'!

                                      આટલી જગ્યાઓ જોતે જોતે હૈદ્રાબાદ શહેરનું પ્રાથમીક નિરીક્ષણ પણ થયું. મનમાં ખૂંચે એવી બાબત એ રહી કે ભારતનાં અન્ય શહેરોમાં દેખાય છે એવી જ વહીવટી તંત્રની શહેરની જાળવણી માટેની અને નાગરીકોની સ્વચ્છતા તેમજ સ્વકીય શિસ્ત માટેની ઘોર ઉદાસીનતા સતત આંખે ચડતી રહી. તો સામાન્યમાંથી સામાન્ય માણસની પણ હાડમારીઓથી ભરપૂર જીંદગીને હસતે મોઢે ઝીલવાની મનોવૃત્તિ પ્રભાવીત કરતી રહી.

સૌજન્ય સ્વીકાર: પહેલી અને છેલ્લી બાદ કરતાં તસવીરો નેટ ઉપરથી લીધેલી છે. 
માહિતી વીકીપીડીયા ઉપરથી લીધી છે, પૂરક માહિતી વ્યોમેશ અને અભીજીત મહેતાએ પૂરી પાડી છે.

4 comments:

  1. આમ અડધે છોડી દો એ સારું ન કહેવાય. સુખડી, ઢેબરાં, ખાખરા ન લઈ જઈને તમે ગુજરાતી પ્રવાસીના નામ પર બટ્ટો લગાવ્યો છે. એના પ્રાયશ્ચિતરૂપે ઝડપભેર બીજો ભાગ મૂકો.

    ReplyDelete
  2. Piyush Bhai I take great delight in pointing out that the word is 'mousse'. Since you are such a spelling Nazi, I have a certain glint in my eyes while pointing out the mistake

    ReplyDelete
  3. આખી દુનિયા જેને હૈદરાબાદ તરીકે જાણે છે એને ત્યા ના સ્થાનિકો "નામાપલ્લી" થીજ ઓળખે!ખુલ્લા જંગલ જેવા કૃત્રિમ વિસ્તારમા બધી જાત ના હરણો ના ઝુંડ પણ એક જોવા લાયક સ્થળ છે આ નામાપલ્લીમા મહાવીર હરિનાં વાનાસ્નેથલી નેશનલ પાર્ક!

    ReplyDelete